લખાણ પર જાઓ

રામાયણ

વિકિપીડિયામાંથી
રામાયણ
રામ અને સીતા વનમાં લક્ષ્મણ સાથે, ૧૭મી સદીની હસ્તપ્રતનું ચિત્ર.
માહિતી
ધર્મહિંદુ ધર્મ
લેખકવાલ્મિકી
ભાષાસંસ્કૃત
શ્લોકો૨૪,૦૦૦

રામાયણ એ ભારતીય સંસ્કૃતિનો ઐતિહાસિક ગ્રંથ છે. વાલ્મિકીએ મૂળ સંસ્કૃતમાં આ ગ્રંથની રચના કરી હતી. તારા અને નક્ષત્રોનાં સ્થાન મુજબ ગણતરી કરતા રામાયણનો કાળ આશરે ઇ.સ.પૂર્વે ૫૦૪૧ ગણાય છે. રામાયણ એટલે રામ + અયણ = રામની પ્રગતિ કે રામની યાત્રા.

વાલ્મિકી રામાયણમાં ૨૪,૦૦૦ શ્લોકો છે. રામાયણ મૂળ ૭ કાંડોમાં વહેંચાયેલું છે:

  1. બાલકાણ્ડ
  2. અયોધ્યાકાંણ્ડ
  3. અરણ્યકાણ્ડ
  4. કિષ્કિંધાકાણ્ડ
  5. સુંદરકાણ્ડ
  6. યુદ્ધકાણ્ડ - લઙ્કાકાણ્ડ
  7. ઉત્તરકાણ્ડ

હિંદુ ધર્મનાં બે મહાન ઐતિહાસિક ગ્રંથોમાં રામાયણની ગણના થાય છે. પરંતુ રામાયણ માત્ર હિંદુ ધર્મ કે આજના ભારત દેશ પુરતો મર્યાદિત ન રહેતા ઇન્ડોનેશિયા, મલેશિયા, થાઇલેન્ડ, કમ્બોડીયા, ફીલીપાઈન્સ, વિયેતનામ વગેરે દેશોમાં પણ પ્રચલિત છે. રામાયણ પરથી ૧૯૮૭-૮૮ દરમિયાન ટીવી સિરિયલ પણ બનેલી જે ખૂબ જ પ્રચલિત બની છે. ભારતીય લોકોની જીવનશૈલી, સમાજ જીવન અને કુટુંબસંસ્થા પર રામાયણ નો બહુ મોટો પ્રભાવ છે. દરેક પતિ-પત્નીને રામ-સીતા સાથે, પુત્રને રામ સાથે, ભાઈને લક્ષ્મણ કે ભરત સાથે અને મિત્રને સુગ્રીવ સાથે સરખાવવામાં આવે છે. રામને આદર્શ રાજા માનવામાં આવે છે. રામાયણનું દરેક પાત્ર સમાજ માટે આદર્શપાત્ર બની રહે છે.

ઋષિ વાલ્મિકી જંગલમાં આદિવાસી સાથે ઉછરેલા હતા અને પુર્વજીવનમાં લુંટ નો ધંધો કરી કુટુંબનું ભરણપોષણ કરતા. કોઇવાર જંગલમાં તેમને નારદ મુનિ મળ્યા. નારદ મુનિએ પુછ્યું કે તું જે લોકો માટે આ પાપ કરે છે તેઓ શું તારા પાપના ભાગીદાર થશે ખરા? વાલ્મિકીએ તેમના કુટુંબીઓને જ્યારે આ પુછ્યુ ત્યારે ઉત્તર મળ્યો કે કોઈ કોઈનાં પાપનું ભાગીદાર હોતું નથી. સૌએ પોતાનાં પાપની સજા પોતે જ ભોગવવી પડે છે. આ પ્રસંગે વાલ્મિકીની આંખો ખૂલી ગઈ. આ પછી તેઓ પોતાનાં પાપનાં પ્રાયશ્ચિત તરીકે લોક કલ્યાણના કાર્યમાં પ્રવૃત થયા. આગળ જતા ઋષિનું પદ પામ્યા અને પોતાના કાર્ય માટે આશ્રમની સ્થાપના કરી.

એક દિવસ વાલ્મિકી તમસા નદીમાં સ્નાન કરતા હતા, ત્યારે એક પારધીને સારસ પક્ષીના જોડલાને હણતો જોયો. સારસ પક્ષી વિંધાઈને પડયું અને આ જોઇ ઋષિ વાલ્મિકીના મુખમાંથી કરુણાને લીધે એક શ્લોક સરી પડ્યો.

મા નિષાદ પ્રતિષ્ટાં ત્વમગમઃ શાશ્વતીઃ સમાઃ
યત્ ક્રૌંચમિથુનાદેકમવધીઃ કામમોહિતમ્

હે નિષાદ ! તને પ્રતિષ્ઠા, આદર-સત્કાર, માન, મર્યાદા, ગૌરવ, પ્રસિદ્ધિ, ખ્યાતિ, યશ, કીર્તિ, સ્થિતિ, સ્થાન, સ્થાપના, રહેવાનું, આશ્રય ઇત્યાદિ નિત્ય-નિરંતર કદી પણ ન મળે, કારણ કે તે આ કામક્રીડામાં મગ્ન ક્રૌંચ /કૂજ પક્ષિઓમાંથી એકની વિના કોઈ અપરાધ હત્યા કરી દીધી છે.

આ પ્રસંગ બતાવે છે એક લુંટારામાંથી ઋષિ થયેલા વાલ્મિકી નું હ્રદય પરિવર્તન. આ પ્રસંગે વાલ્મિકીને એ વાતનો ખેદ થયો કે પોતે ઋષિ હોવા છતા એક પારધી ને શાપ આપ્યો અને એક નવા શ્લોકની રચના અનુષ્ટુપ છંદમાં થઇ તે વાતની પ્રસન્નતા થઇ.

આ પ્રસંગ પછી જ્યારે નારદ મુનિ વાલ્મિકીને મળવા આવ્યા ત્યારે વાલ્મિકીએ શ્લોકની અને પોતાના ખેદની વાત નારદજી ને કરી. વાલ્મિકીએ એ પણ ઇચ્છા વ્યક્ત કરી કે આ અનુષ્ટુપ છંદનો ઉપયોગ કરીને તે કોઇ એવી રચના કરવા માંગે છે જે સમગ્ર માનવ જાતિને માર્ગદર્શક બને. તેમણે નારદજીને પુછ્યુ કે શું એવી કોઇ વ્યક્તિ છે કે જે બધા જ ગુણોનો આદર્શ હોય? જેનામાં બધાજ ગુણો આત્મસાત્ થયા હોય?

આ સમયે નારદજીએ વાલ્મિકીને રામ ના જીવન વિષે લખવા માટે પ્રેરણા આપી. આમ, રામાયણની રચના થઇ. આ જ અરસામાં સીતા વાલ્મિકીના આશ્રમમાં રહેવા આવ્યા અને લવ-કુશનો જન્મ થયો. લવ-કુશ રામાયણ શીખ્યા અને તેમણે તેને અયોધ્યામાં પ્રચલિત કર્યુ. તેમની ખ્યાતિ સાંભળી રામે પણ લવ-કુશને રામાયણ ગાવા રાજસભામાં બોલાવ્યા.

રામાયણની પૃષ્ઠભૂમિ

[ફેરફાર કરો]

રામાયણ ત્રેતાયુગમાં જન્મેલા રાજા રામની જીવન કથા છે. ઉત્તર ભારતમાં અયોધ્યાના રાજા દશરથના ચાર પુત્રોમાં રામ સૌથી મોટા પુત્ર છે. આ જ સમય ગાળામાં લંકામાં રાજા રાવણનું રાજ્ય હતુ. રાવણ સમગ્ર પૃથ્વી પર શાસન કરતો હતો અને રામાયણમાં તેને એક અત્યાચારી રાજા તરીકે વર્ણવવામાં આવ્યો છે.

રામાયણના સમયમાં પૃથ્વી પર જુદી જુદી જાતિઓ અસ્તિત્વ ધરાવતી. અમુક નિષ્ણાતોના મતે આ બધી માનવ જાતિઓ હતી; જ્યારે વાલ્મિકી રામાયણમાં આ વિષે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. મનુષ્ય, દેવ, કિન્નર, ગાંધર્વ, નાગ, કિરાત, વાનર, અસુર, રાક્ષસ - આ બધી જુદી જુદી માનવ જાતિઓ હોઇ શકે છે. પરંતુ દરેક સમુહની વિશિષ્ટ શક્તિઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે સામાન્ય માનવ માટે અસંભવિત જણાય - જેમ કે - ઉડવું, પર્વત કે શિલા ઉંચકવી, વિમાનમાં ફરવું, શરીરનું રૂપ બદલવું વગેરે.

કથા મુજબ રાવણે બ્રહ્મદેવ પાસે વરદાન લીધેલું કે તેને કોઇ દેવ વગેરે મારી શકે નહિ. મનુષ્યને ત્યારે નબળું પ્રાણી માનવામાં આવતું તેથી તેણે મનુષ્યથી કોઇ અભય-વરદાન માંગ્યુ નહી. અને ભગવાને રામ તરીકે મનુષ્ય જન્મ લઇને રાવણનો વધ કર્યો.

સામાજીક જીવન

[ફેરફાર કરો]

રામાયણમાં વર્ણવેલું રામ-રાજ્ય આદર્શ રાજ્ય ગણાય છે. વાલ્મીકી રામાયણમાં ચાતુર્વર્ણવ્યવસ્થા નો ઉલ્લેખ બહુ જોવા મળતો નથી. પણ ત્યારે વ્યવસ્થા અસ્તિત્વ ધરાવતી ન હતી તેવું ન માની શકાય. રામાયણમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર શબ્દોનો ઉલ્લેખ જોવા મળે છે. ગુહ જંગલમાં ઉછરેલો, જંગલના રાજાનો પુત્ર હતો. પરંતુ મહાભારતમાં જેમ એકલવ્યને જંગલના રાજાના પુત્ર હોવાથી શિક્ષણ આપવામાં આવતું નથી તેવું રામાયણમાં જોવા મળતુ નથી. રામાયણમાં ગુહ રામની સાથે જ ભણે છે અને રામના મિત્ર તરીકે ગણાય છે.

વાનરો જંગલમાં રહેતા હતા; છતાં તેમને કોઇ રીતે હલકા ગણવામાં આવ્યા નથી. ઉલટું રામ તેમનો આશરો લે છે અને તેના રાજા સુગ્રીવને પોતાનો પરમ મિત્ર માને છે. રાક્ષસો સાથે રામને દુશ્મની હતી અને ઘણા રાક્ષસોને તેમણે માર્યા, પરંતુ વિભીષણ રાક્ષસ કુળનો હોવા છતાં તેને શરણ આપ્યુ અને તેને લંકાનો રાજા બનાવ્યો. ઉપરાંત રાવણને પણ અગ્નિસંસ્કાર કરવા માટે રામે આગ્રહ રાખેલો.

ઋષિઓ ત્યારે જંગલમાં રહી યજ્ઞો કરતા દર્શાવવામાં આવ્યા છે. અને તેઓ એકલા નહી પરંતુ મોટા સમૂહોમાં રહતા હતા. ઘણા ઋષિઓને મોટા મોટા આશ્રમો, પોતાના વનો, સરોવરો કે તળાવો હતા. એટલે કે તેમના આશ્રમો એટલા વિશાળ હતા કે તે પર્વતો, સરોવરો કે પુરા વનને આવરી લેતા.

લોકોનું જીવન ચાર ભાગોમાં વહેચાયેલું હતુ - બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ.

પૃથ્વી પર અનેક રાજ્યો હતા અને દરેક રાજ્યમાં રાજા અને રાજાની નીચે અમાત્યો હતા. દરેક રાજ્યમાં મોટો પુત્ર જ રાજ્યનો વારસદાર થતો. સીતા ત્યાગના પ્રસંગ પરથી જાણવા મળે છે કે લોકોને પોતાની પસંદગી-નાપસંદગી વ્યક્ત કરવાનો અધિકાર હતો અને રાજા પ્રજાની ઇચ્છાને અનુરૂપ જીવતો. સ્ત્રીઓને રાજ્ય કારભારમાં પુરતો અધિકાર જણાય છે. સ્ત્રીની બુદ્ધિ વિષે - ખાસ કરીને કૈકેયીના પ્રસંગે - વાલ્મીકી રામાયણમાં થોડા ઉલ્લેખો છે જે તેની બુદ્ધિને ચંચળ, સ્વાર્થી કે દીર્ઘદ્રષ્ટિ વગરની માને છે. પરંતુ સાથે સાથે અનુસુયા, સીતા, મંદોદરી, તારા વગેરેના વખાણ કરવામાં આવ્યા છે. રાવણ અને વાલી બન્ને નો નાશ તેમની પત્નીના કહેવાનો અનાદર કરવાથી થયો હતો.

રામના જીવનનો બોધ કુટુંબજીવનને આદર્શ બનાવવાનો છે જેમાં પુત્રો માતા-પિતાની આજ્ઞા માને, પત્ની પતિની આજ્ઞા માને, પતિ પત્નીને પ્રિય હોય તેવું કરે, મોટો ભાઈ નાના ભાઈને પુત્રની જેમ સાચવે - વગેરે આદર્શ કૌટુંબિક જીવન બતાવે છે.

રામાયણના પાત્રો

[ફેરફાર કરો]
  • રામ - વિષ્ણુ નાં અવતાર.
  • સીતા - રામના પત્ની.
  • લવ - રામ અને સીતાના પુત્ર.
  • કુશ- રામ અને સીતાના પુત્ર.
  • દશરથ - રામના પિતા. અયોધ્યાના રાજા.
  • કૌશલ્યા - રામના માતા.
  • કૈકેયી - દશરથ રાજાના પત્ની અને ભરતના માતા
  • સુમિત્રા - દશરથ રાજાના પત્ની અને લક્ષમણ તથા શત્રુઘ્ન ના માતા.
  • લક્ષ્મણ - રામના ભાઈ. સુમિત્રાના મોટો પુત્ર.
  • ભરત - રામના ભાઈ. કૈકેયીનાપુત્ર.
  • શત્રુઘ્ન - રામના ભાઈ. સુમિત્રાના નાના પુત્ર.
  • જનક-સુનયના - સીતાના પિતા-માતા.
  • ગુહ - રામના મિત્ર અને જંગલના રાજ્યના રાજા.
  • વશિષ્ઠ - અયોધ્યાના રાજ્યગુરુ.
  • વિશ્વામિત્ર - રામના ગુરુ અને વશિષ્ઠના મિત્ર.
  • સુગ્રીવ - વાનરકુળના કિષ્કિંધાના રાજા. રામના મિત્ર.
  • વાલી - વાનરકુળના કિષ્કિંધાનારાજા. સુગ્રીવના મોટો ભાઈ.
  • તારા - વાલીના પત્ની.
  • હનુમાન- સુગ્રીવના મંત્રી, રામના ભક્ત.
  • જાંમવંત - રીંછકુળના સુગ્રીવની સભામાં મંત્રી.
  • અંગદ - વાલીના પુત્ર
  • નલ- વિશ્વકર્માનાપુત્ર, સુગ્રીવના સેનાની.
  • જટાયુ - ગીધ પક્ષી, દશરથના મિત્ર.
  • સંપાતિ - જટાયુના મોટો ભાઈ.
  • રાવણ - લંકાના રાજા અને શિવ ના પરમ ભક્ત.
  • મંદોદરી - રાવણના પટ્ટરાણી.
  • વિભીષણ - રાવણના નાના ભાઈ અને મંત્રી.
  • કુંભકર્ણ - રાવણના નાના ભાઈ.
  • શૂર્પણખા - રાવણના બહેન.
  • ખર, દૂષણ - રાવણના દંડકારણ્યમાંની સેનાના અધિપતિ.
  • મારિચ - તાડકાનાપુત્ર અને સુવર્ણ મૃગની માયા કરનાર રાક્ષસ.
  • ઇન્દ્રજીત/મેઘનાદ - રાવણના મોટો પુત્ર.
  • મકરધ્વજ - હનુમાનજીના પુત્ર.
  • ઉર્મિલા - લક્ષમણના પત્ની.
  • માંડવી - ભરતના પત્ની.
  • અહલ્યા - ઋષિ ગૌતમના પત્ની જેને શ્રીરામે શ્રાપ મુક્ત કર્યા.

રામાયણનો સંદેશ

[ફેરફાર કરો]

મહર્ષિ વાલ્મિકી રામને એક આદર્શ માનવ ચરિત્ર તરીકે આલેખે છે. તેમનો હેતુ કોઇ એવા માનવના જીવન વિષે લખવાનો હતો જેમનામાં બધા જ ગુણો હોય. રામાયણમાં નીચેના ગુણોની વાત કરવામાં આવી છે.

  • રામ, શ્રવણ - પિતૃઆજ્ઞા માટે પોતાનો નીજી સ્વાર્થ છોડી દેવો.
  • રામ, ભરત- ભાઈઓ કે કુટુંબ વચ્ચે પ્રેમ રાજ્યાસુખ કરતા વધુ મહત્વ ધરાવે છે.
  • સીતા - પતિ વગર રાજ્યમાં રહેવુ તે કરતાં પતિની સાથે જંગલમાં રહેવુ વધુ યોગ્ય છે. પતિના કામમાં ખડે પગે મદદ કરવી
  • લક્ષ્મણ - તેજસ્વી ચારિત્ર્ય છતાં મોટા ભાઈની આજ્ઞા માનવી. સ્ત્રી પ્રત્યે પવિત્ર દ્રષ્ટિ રાખવી.
  • હનુમાન - પોતાની તમામ શક્તિ ભગવાનના કામમાં ધરી દેવી.
  • સુગ્રીવ - મિત્રતા.
  • વાલી, રાવણ - શક્તિનુ અભિમાન ન રાખવું અને પરસ્ત્રી ને પવિત્ર રીતે જોવુ.
  • વાનરો - જો સાથે મળીને કામ કરીએ તો સમુદ્ર પર સેતુ પણ બાંધી શકીએ અને રાવણ ને પણ મારી શકીએ.

મનુષ્ય જીવનમાં કંઇ જ અશક્ય નથી. માનવ પોતાને મળેલી કોઇ પણ પરિસ્થિતિમાંથી રસ્તો કાઢી શકે છે. આ માટે અધાર્મિક થવાની પણ જરૂર નથી. માણસ સિદ્ધાંતોથી જીવી શકે છે. જીવનમાં પ્રેમનું મહત્વ સુખ કરતા મહત્વનું છે.

બીજા રામાયણ

[ફેરફાર કરો]

મૂળ રામાયણ તે વાલ્મિકી રામાયણ ગણાય છે. અધ્યાત્મ રામાયણ પછીથી લખાયેલુ છે જે મૂળ રામાયણમાં થોડા ફેરફારો કરે છે તથા તેનું તાત્વિક રહસ્ય સમજાવે છે.

તે પછી સંત તુલસીદાસ ગોસ્વામીએ શ્રી રામ ચરિત માનસની રચના કરી જે અવધી ભાષામાં લખાયેલું છે.

વીસમી સદીમાં મોરારીબાપુ રામાયણની કથા કહેવા માટે પ્રખ્યાત છે.

૧૯૮૭-૮૮ માં રામાનંદ સાગરે રામાયણ પરથી ટી.વી. ધારાવાહિક બનાવી હતી જે ખૂબ લોકપ્રિય થઇ હતી.

રામાયણના ફેરફારો

[ફેરફાર કરો]

નીચેના પ્રસંગો રામાયણમાં પાછળથી ઉમેરવામાં આવ્યા છે કારણ કે તે મૂળ વાલ્મિકી રામાયણમાં નથી.

  • અહલ્યા પત્થરની મૂર્તિ બની ગઇ તે પ્રસંગ વાલ્મિકી રામાયણમાં નથી. અહલ્યાને છોડીને ગૌતમ ઋષિ જતા રહે છે પછી અહલ્યા એકલવાયું જીવન જીવે છે જેમાં તે કોઇ સાથે બોલતી નથી. વિશ્વામિત્ર રામને તેના આશ્રમમાં લઇ આવે છે જેથી અહલ્યા ફરીથી પ્રસન્ન ચિત્ત થાય છે અને ગૌતમ મુનિ તેને ફરીથી સ્વીકારે છે. રામનું પત્થરની મૂર્તિ ને પગથી સ્પર્શ કરવો વગેરે રૂપક કલ્પના છે.
  • મિથિલા નગરીમાં રામ જાય છે ત્યારે સીતાનો સ્વયંવર નથી હોતો પરંતુ કોઇ યજ્ઞ ચાલતો હોય છે જેમાં કૌતુક ખાતર વિશ્વામિત્ર અને જનક રામને ધનુષ બતાવે છે. તે ધનુષ વજનદાર અને ખૂબ જુનુ હોય છે જે રામ ઉપાડીને જ્યારે સંધાન કરે છે ત્યારે જુનુ હોવાથી તુટી જાય છે. જનક રામના પરાક્રમથી ખુશ થઇ સીતાને પરણાવવાની વાત કરે છે.
  • ઉર્મિલા જ જનક રાજાની પુત્રી હોય છે. સીતા તેમને જમીનમાંથી મળેલી હોય છે, જ્યારે માંડવી અને શ્રુતકીર્તિ જનકના ભાઈ કુશધ્વજની પુત્રીઓ છે.
  • લગ્ન વખતે રામની ઉંમર ૧૬ વર્ષની છે. રામ-સીતાના લગ્ન પછી તેઓ અયોધ્યામાં ૧૨ વર્ષ રહે છે. આથી વનવાસ વખતે રામની ઉંમર ૨૮ વર્ષની હોય છે.
  • કૈકેયી કોઇ યુદ્ધ વખતે ઘાયલ દશરથને બચાવી દૂર લઇ જાય છે. રથના પૈડાંમાં આંગળી નાંખવાની વાત વાલ્મિકી રામાયણમાં નથી.
  • ગંગા પાર કરતી વખતે કેવટનો પ્રસંગ પણ તુલસીદાસની કલ્પના છે. વાલ્મિકી રામાયણમાં ગુહ રાજાના નાવિકો રામને ગંગા પાર કરાવે છે.
  • દરેક આશ્રમમાં ઘણા ઋષિમુનિઓ રહેતા હોય છે. આશ્રમો ખૂબ વિશાળ અને પોતાના વનો, બગીચાઓ ધરાવતા હોય છે. દરેક આશ્રમમાં ખાવા માટે મુખ્યત્વે કંદ, મૂળ, ફળો વગેરે પ્રાપ્ય હોય છે અને દરેકને માટે રહેવાની અલગ વ્યવસ્થા હોય છે.
  • ભરત અયોધ્યાના લોકો અને સેના સહિત ગંગા પાર કરે છે; ગુહ રાજાના નાવિકો બધી જ હોડીઓમાં પુરા રસાલાને રથો, સામાન સહિત નદી પાર કરાવે છે. હાથીઓ તરીને નદી પાર કરે છે.
  • ચિત્રકુટમાં રામ જ્યાં રહે છે ત્યાં બીજા બ્રાહ્મણો કે વાનપ્રસ્થ લોકો પણ વસતા હોય છે.
  • ચિત્રકુટ છોડ્યા પછી દંડકારણ્યમાં રામ દશ વર્ષ સુધી રહે છે જે દરમિયાન બધા ઋષિઓની સાથે રહે છે અને એક આશ્રમથી બીજા આશ્રમ એમ ફરતા રહે છે.
  • ખર-દૂષણના વધ વખતે રામ ઘાયલ થાય છે અને તેમને લોહી પણ નીકળે છે. લગભગ ત્રણ મુહુર્ત કે આઠ કલાકના યુદ્ધમાં ખર-દૂષણની ૧૪ હજારની સેનાનો નાશ થાય છે. ઘણા સૈનિકો ભાગી જાય છે અને રાવણને સમાચાર આપે છે. આ પછી રાવણ મારીચ પાસે રામ વિષે જાણવા જાય છે. મારિચ તેને રામને કશુ ન કરવા સલાહ આપે છે જેથી રાવણ પાછો લંકા જાય છે. ફરીથી શૂપર્ણખા ના કહેવા પછી તે મંત્રી જોડે ચર્ચા કરી સીતાનું અપહરણ કરવાનો વ્યૂહ ઘડે છે.
  • લક્ષમણ જ્યારે રામને શોધવા સીતાને એકલા મુકી જાય છે ત્યારે સીતા ઘરની બહાર હોય છે. લક્ષ્મણ રેખાનો વાલ્મિકી રામાયણમાં ઉલ્લેખ નથી.
  • રાવણ બ્રાહ્મણનો વેષ ધરી સીતાને જોવા આવે છે. તે ભિક્ષા માંગવા આવતો નથી. આતિથ્ય સત્કારના ધર્મ મુજબ સીતા તેને કંદ, મૂળ, ફળો આપે છે. રાવણ સીતાને પોતે રાવણ હોવાનું અને પોતાની સાથે ચાલી નીકળવાની વાત કરે છે જેનો સીતા ઇન્કાર કરે છે. આથી તેને કેડેથી પકડી લઇ રાવણ ચાલતો થાય છે અને પોતાના રથમાં લઇ જાય છે.
  • રાવણ એકલો નથી હોતો; બલકે તેની સાથે તેના સેવકો અને સારથી હોય છે જેનો જટાયુ સાથેના યુદ્ધમાં નાશ થાય છે.
  • રામ શબરીને મળવા જાય છે ત્યારે તેને શબરી ફળો વગેરે આપી સ્વાગત કરે છે. શબરીના એઠા બોર ખાવા તે કોઇ કવિની કલ્પના છે.

આ પણ જુઓ

[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]
pFad - Phonifier reborn

Pfad - The Proxy pFad of © 2024 Garber Painting. All rights reserved.

Note: This service is not intended for secure transactions such as banking, social media, email, or purchasing. Use at your own risk. We assume no liability whatsoever for broken pages.


Alternative Proxies:

Alternative Proxy

pFad Proxy

pFad v3 Proxy

pFad v4 Proxy